આંગણે
વર્ષ આખું જે તરસતું, એ જ નાહ્યું આંગણે,
ઢોલ પેઠે આભ આખું આજ ગાજ્યું આંગણે.
ચાસમાં સૂતેલ બીજે આંખ ખોલી ધીરથી,
ખેડુનું મન મોરલો થઈ ખૂબ નાચ્યું આંગણે.
છાપરું ચૂવે છતાં દાદી હસીને બોલતી,
‘ભીંત ભીની, પણ ઘરે સૌભાગ્ય જાગ્યું આંગણે.’
કાગળોની નાવ લઈને બાળપણ દોડી ગયું,
છીછરાં ખાબોચિયાંમાં આભ મ્હાલ્યું આંગણે.
શબ્દનાં બી વાવતો’તો હું ય વર્ષોથી, ‘પરાગ’,
આજ એ કૂંપળ બનીને સાવ જાગ્યું આંગણે.
– પરાગ રતનપરા
#ગઝલ #વરસાદ #દુકાળપછી #ખેડૂત #ગામડું #પરાગરતનપરા
#GujaratiGhazal #RainAfterDrought #VillageMonsoon #FarmersJoy #Sprouting #ParagRatanpara