ચા ઠરી જશે
એ મને કદી
‘આઈ લવ યુ’ નથી કહેતા.
ચાળીસ વરસમાં
એક પણ વાર નહીં.
પણ શિયાળાની દરેક રાતે
મારી બાજુની બારી
એ જ બંધ કરે છે.
મારી ચામાં ખાંડ
અડધી ચમચી ઓછી નાખે છે —
ડૉક્ટરે કહ્યું ત્યારથી.
બજારે જાય તો
મને ગમતી મેથી
ભૂલ્યા વિના લાવે છે,
ને કહે છે: ‘સસ્તી હતી.’
ગઈ કાલે મેં પૂછ્યું:
‘તમે મને પ્રેમ કરો છો?’
એ છાપું વાંચતા રહ્યા,
બોલ્યા: ‘ચા ઠરી જશે.’
ને મેં જોયું —
ચા જાતે ઠરી નહોતી.
એમણે ફૂંક મારીને
ઠારી હતી,
મારા માટે.
– પરાગ રતનપરા