ચા
રોજ સવારે
તું બે કપ ચા મૂકે છે.
એકમાં ખાંડ ઓછી —
મારી ડાયાબિટીસ માટે.
બીજામાં આદુ વધારે —
તારી શરદી માટે.
ત્રીસ વરસથી
આપણે
એકબીજાને
‘આઈ લવ યુ’ નથી કહ્યું.
પણ
દર સવારે
તું કપ બદલાઈ ન જાય
એની જે કાળજી રાખે છે,
એ જોઈને
મને લાગે છે કે
આ ઘરમાં
પ્રેમ
શબ્દોમાં નહીં,
ખાંડ અને આદુના
માપમાં
રહે છે.
– પરાગ રતનપરા