← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભૂરાભાઈની ભેંસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભૂરાભાઈ કે’ છે:
‘મારી ભેંસને તાવ? ઈ તો કો’દી નો આવે!
ઈ તો શે’રની ડેરીનું દૂધ પીવે ઈ લોકુંને આવે.’

ડૉક્ટર સાયેબે કીધું:
‘ભૂરાભાઈ, આને ઇન્જેક્શન દેવું પડશે.’
ભૂરાભાઈ ભડક્યા:
‘ઇન્જેક્શન? હાળું, મેં સાઈઠ વરહમાં નથ લીધું,
ને આ પાડાની માને દેશો?’

આખું ગામ ભેગું થ્યું.
સરપંચે સલાહ દીધી, માસ્તરે ગૂગલ ખોલ્યું,
ડોશીમાએ હળદરનો લેપ કર્યો,
ને ભેંસ —
બધાંની સામે મોઢું ફેરવીને
શાંતિથી વાગોળતી રઈ.

છેવટે ભૂરાભાઈ બોલ્યા:
‘જોયું? ઈ સાજી જ ઉતી.
ઈને તો બસ
આખા ગામનું ધ્યાન જોતું’તું.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખપહેલું રુદનઆગલો લેખ →અરીસો