ભૂલી જશે
ફૂલ બે, ને મૌન બે પળ, નોકરી ભૂલી જશે,
રોજ સાંજે બેસતો જ્યાં, ઓસરી ભૂલી જશે.
ફોનમાંથી નામ મારું નીકળી જાશે, પછી
ને પછી ઘરનો પતો આ ડાયરી ભૂલી જશે.
બા પછી ચૂલો ઠરેલો, ને રસોડું મૌન છે,
સ્વાદ પણ એ હાથનો, એ ભાખરી ભૂલી જશે.
મંચ પર જે ગાજતો’તો, ગીત એનાં ગુંજતાં,
ને સભા તો ગીતની એ આખરી ભૂલી જશે.
આ ‘પરાગે’ મ્હેક છોડી, ને હવામાં ભેળવી,
ફૂલ જેમાં લાવતા, એ છાબરી ભૂલી જશે.
– પરાગ રતનપરા
#ગઝલ #ક્ષણભંગુરતા #વિસ્મૃતિ #મા #જીવનદર્શન #પરાગરતનપરા
#GujaratiGhazal #Impermanence #Forgetting #MothersKitchen #LifeAndDeath #ParagRatanpara