← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભીતરે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હોઠ પર તો મૌન છે, ને છે સમંદર ભીતરે,
બ્હાર સઘળું શાંત, ને ઘૂમે બવંડર ભીતરે.

ઘર, ગૃહસ્થી, નોકરી સંભાળતો રોજે છતાં,
તો ય જીવે છે મજેથી એ કલંદર ભીતરે.

બૉસ આગળ જી-હજૂરી, ઘેર પત્નીથી ડરું,
તો ય ગુસ્સાનો ફરે છે આ છછૂંદર ભીતરે.

મંદિરે ના, મસ્જિદે ના, તીર્થમાં પણ ક્યાંય ના,
ઝળહળે છે એક દીવો જે નિરંતર ભીતરે.

આ પરાગે ફૂલને પૂછ્યું જરા, ક્યાંથી સુગંધ?
ફૂલ બોલ્યું: ‘એક બેઠો છે ધુરંધર ભીતરે.’

– પરાગ રતનપરા

#ગઝલ #અંતર્મન #તોફાન #આત્મા #અધ્યાત્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #InnerWorld #StormWithin #Soul #InnerLight #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમોરપીંછઆગલો લેખ →વચન