ભીતર ખીલવ
ભીતર ખીલવ, હે નાથ, મારું ભીતર ખીલવ રે,
કમળ જેમ કાદવમાંથી મુજને ઊંચે લઈ જા રે.
ઈર્ષા, લોભ ને ક્રોધના કાંટા ઊગ્યા છે ચોપાસ,
એ કાંટામાં મ્હેકાવી દે તારા નામની વાસ;
અંધારા ઓરડે મારે, દીવો તું જ પ્રગટાવ રે…
ભીતર ખીલવ…
હાથ મારા સૌની સેવામાં, પગ દુખિયાની વાટે,
આંખ મારી સૌના આંસુ લૂછવાને કાજે ઘાટે;
હું ને મારું ઓગાળી દે, એવો પ્રેમ રેલાવ રે…
ભીતર ખીલવ…
પરાગ કહે: આ ફૂલ ખીલે તો આખું જગ મ્હેકે,
એક અંતર ઊજળું થાય, તો લાખો અંતર ચેતે;
મારા નાનકડા કૂંડામાં તું આખું ઉપવન વાવ રે…
ભીતર ખીલવ…
– પરાગ રતનપરા