ભીનું થયું
મેઘ આવ્યો ઢોલ લઈને, આંગણું ભીનું થયું,
વીજ ઝબકી, ને પછી તો બારણું ભીનું થયું.
છાપરું ચૂવે સતત, ને રાત જાગે માવડી,
પાલવે ઢાંક્યું છતાં, આ પારણું ભીનું થયું.
ગામનો ચોરો હતો, ને હૂંફની વાતો હતી,
ઝાપટું આવ્યું અચાનક, તાપણું ભીનું થયું.
બીજ કોઠીમાં સજાવ્યાં, આવતી વાવણ તણાં,
ચૂવતા નેવે અને આ ઢાંકણું ભીનું થયું.
તું ન આવી, ને ઝરૂખે રાહ જોતો'તો ‘પરાગ’,
આંખથી વરસાદ આવ્યો, આંજણું ભીનું થયું.
– પરાગ રતનપરા
#ગઝલ #ચોમાસું #વરસાદ #ગામડું #વિરહ #પરાગરતનપરા
#GujaratiGhazal #Monsoon #Rain #VillageLife #Longing #ParagRatanpara