← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભીનો હતો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બ્હારથી કોરો હતો હું, ભીતરે ભીનો હતો,
આંખ કોરી, પણ હૃદયના અંતરે ભીનો હતો.

લોક વાંચી હાસ્ય-રચના, ખૂબ હસતા’તા છતાં,
હું જ જાણું, હું ય એના અક્ષરે ભીનો હતો.

લોક માને, પથ્થરોને ક્યાં કશી સંવેદના?
ઝરણ ફૂટ્યું, એટલે કે પથ્થરે ભીનો હતો.

પાંખ ફફડાવી ઘણી, પણ આભ ના પામ્યો કદી,
એક ટહુકો સાચવીને પિંજરે ભીનો હતો.

ધોમ તડકે ફૂલ મ્હેક્યું, ને કહે છે આ ‘પરાગ’,
રોજ ઝાકળના સવારે ઝાંઝરે ભીનો હતો.

– પરાગ રતનપરા

#ગઝલ #આંસુ #સંવેદના #છૂપીવેદના #ભીનાશ #પરાગરતનપરા
#GujaratiGhazal #HiddenTears #Sensitivity #InnerWetness #SilentPain #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખબાની વાર્તાઆગલો લેખ →મનનો મૃગ