ભીંજાઈએ
છાપરે ટપ ટપ થયું, ચાલો ફરી ભીંજાઈએ,
ફાઈલો મૂકી ઘડીભર, મન ભરી ભીંજાઈએ.
મા વઢીને સાડલે લૂછે, હવે એ ક્યાં રહી?
યાદ એની આંખથી આજે ઝરી ભીંજાઈએ.
ખેડુ નાચે, ખેતરોમાં મોર ઘેલો થઈ ગયો,
આપણે પણ એક ઢેફું થઈ, ઠરી ભીંજાઈએ.
રોડ પર ખાડા, ગટર છલકાય, ઘરમાં પૂર છે,
ને ગઝલમાં કવિ કહે, ‘ચાલો, તરી ભીંજાઈએ!’
ફૂલ ભીંજ્યું, ને પરાગે મ્હેક દીધી ધૂળને,
એમ મ્હેકી સૌ દિશામાં, મન ધરી ભીંજાઈએ.
– પરાગ રતનપરા
#ગઝલ #વરસાદ #ચોમાસું #માનીયાદ #ભીંજાવું #પરાગરતનપરા
#GujaratiGhazal #Monsoon #RainPoetry #MothersMemory #CityRains #ParagRatanpara