ભીડમાં
સૌ મળે છે, તોય સૌથી વેગળો છું ભીડમાં,
હાથ લાખો છે, છતાં હું આકળો છું ભીડમાં.
સૌ નજર નીચી કરીને સ્ક્રીનમાં ખોવાય છે,
હું ય એવો દેખતો પણ આંધળો છું ભીડમાં.
રોજ લોકલમાં લટકતો, દોડતો, હાંફી ગયો,
પગ સલામત છે, છતાં હું પાંગળો છું ભીડમાં.
ધૂમ્રની ચાદર તળે ઢંકાઈ ગ્યો સૂરજ ય પણ,
હું ય મારી જાતથી પણ ધૂંધળો છું ભીડમાં.
ડાળથી છૂટ્યો, હવામાં ખૂબ ઊડ્યો, ઓ ‘પરાગ’,
આભ આખું છે, છતાં ક્યાં મોકળો છું ભીડમાં?
– પરાગ રતનપરા
#ગઝલ #ભીડ #એકલતા #શહેરીજીવન #મોબાઇલ #પરાગરતનપરા
#GujaratiGhazal #LonelyInCrowd #CityLife #Alienation #ScreenAge #ParagRatanpara