← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભરતી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પૂનમની રાતે
દરિયો
હજાર સફેદ ઘોડા છોડે છે.

ફીણની કેશવાળી ઉછાળતા,
ખરીઓ પછાડતા,
એ દોડે છે કિનારા તરફ —
જાણે આખી પૃથ્વી
જીતી લેવી હોય.

ને કિનારે
રેતીમાં
એક નાનકડી છોકરીએ
રેતનો કિલ્લો બાંધ્યો છે.

ઘોડા આવે છે,
અટકે છે,
એના પગ ચાટે છે,
ને પાછા વળી જાય છે.

કિલ્લો ઊભો છે.

દરિયાને પણ ખબર છે —
કેટલાક કિલ્લા
રેતીના હોવા છતાં
અજેય હોય છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખહથેળીઆગલો લેખ →આવજે