← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભગવાનની સેલ્ફી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભગવાન પણ હવે થાકી ગયા, ભાઈ, ફોટા પડાવી પડાવી,
ભક્તો આવે મોબાઇલ લઈને, જાય સેલ્ફી ખેંચાવી!

પહેલાં આવતા હાથ જોડીને, આંખ મીંચીને ગાતા,
હવે કેમેરા ઓન કરીને ‘લાઇવ’ દર્શન થાતાં;
પૂજારી પણ પૂછે: ‘ભાઈ, આરતી કે રીલ બનાવી?’
ભગવાન પણ હવે થાકી ગયા…

મંદિર બહાર ભિખારી બેઠો, એની સામે ન જુએ,
અંદર ચાંદીનો મુગટ જોઈ ‘વાઉ’ ‘વાઉ’ કહીને રુએ;
પ્રસાદ ખાતાં પહેલાં એનો પણ ફોટો લીધો સજાવી…
ભગવાન પણ હવે થાકી ગયા…

પરાગ કહે: પ્રભુએ એક દી સ્ટેટસ મૂક્યું સાફ,
‘હું તો રહું છું ભૂખ્યાના મુખમાં, બાકી સૌને માફ!’
પણ એ સ્ટેટસ કોઈએ ન વાંચ્યું, સૌ ગયા ‘લાઇક’ દબાવી…
ભગવાન પણ હવે થાકી ગયા…

– પરાગ રતનપરા

ગીતહાસ્ય
← પહેલો લેખઊભું ઝાડઆગલો લેખ →જાગૃતિ