ભગતજી
ભાઈ, ભગત થયા રે ભારે, ટીલાં તાણ્યાં ચાર,
અંદર કપટનો કોઠાર, ને બ્હાર ભજનનો ભાર!
સવારે મંદિરનો ઘંટ, બપોરે ભેળસેળ,
દૂધમાં પાણી, ઘીમાં ચરબી, ત્રાજવે ઊંધો ખેલ;
સાંજે કથામાં પહેલી હરોળ, આંખે આંસુ ધાર…
અંદર કપટનો કોઠાર…
ગાયને રોટલી નીરે, ને માને ઘરડાઘર મેલી,
પીપળે પાણી રેડે, ને પડોશની જમીન લીધી પહેલી;
માળા ફેરવે મોટી, પણ મનમાં વ્યાજનો વેપાર…
અંદર કપટનો કોઠાર…
પરાગ કહે: હરિ ન મળે તિલકે, ન મળે સોને થાળે,
હરિ તો બેઠો ભૂખ્યાની આંખે, ને દુખિયાની ડાળે;
મન ધોયા વિના ન્હાયો ગંગા, તોય રહ્યો ગમાર…
અંદર કપટનો કોઠાર…
– પરાગ રતનપરા