ઘટનો દીવો
તારો દીવડો તારી ભીતર, ભટકે શાને બ્હાર?
ઘટમાં ઝળહળ જ્યોત બળે, ત્યાં જ ઊઘડે દ્વાર.
તીરથ ન્હાયો, પરબત ચડ્યો, ફેરવ્યા મણકા લાખ,
તોય હૈયે ઘોર અંધારાં, ને ખાલી ખાલી આંખ;
પાંપણ બીડી જોને ભાઈ, ત્યાં તો તેજ અપાર…
ઘટમાં ઝળહળ જ્યોત…
પ્રેમનું તેલ પૂર્યું છે, ને શ્વાસે વણી છે વાટ,
અહંકારનો વાયરો વાય, તો ઢાંકજે હૈયા-હાટ;
નમ્રતાની ઓથ ધરે, તો જ્યોત ન ડગે લગાર…
ઘટમાં ઝળહળ જ્યોત…
પરાગ કહે: ફૂલ ન જાણે પોતાની ખુશ્બૂ ક્યાં,
ભમરા દોડી આવે ત્યારે અચરજ પામે ત્યાં;
તું ય તારી જ્યોતને જાણી, થઈ જા ભવની પાર…
ઘટમાં ઝળહળ જ્યોત…
– પરાગ રતનપરા