ભાર
શિર પર
કેટલો ભાર લઈને ફરું છું —
ગઈ કાલની ગાળ,
પરમ દિવસનું અપમાન,
દસ વરસ પહેલાંનો દગો,
ને બાળપણનો એક તમાચો.
રોજ સાંજે
આ પોટલું ખોલું છું,
ગણું છું,
પાછું બાંધું છું.
એક દિવસ
નદીકાંઠે
એક ધોબણ જોઈ.
કપડાં પથ્થર પર પછાડતી,
નિચોવતી,
તડકે સૂકવતી,
ને ગાતી.
મેં પૂછ્યું,
‘આ મેલ ક્યાં જાય છે?’
એ હસી,
‘નદી લઈ જાય, ભાઈ.
નદીને બધું આપી દેવાનું,
પોટલું તો હળવું રાખવાનું.’
એ સાંજે
મેં પોટલું ખોલ્યું,
ને નદીને
એક એક ગાંઠ સોંપી દીધી.
ઘરે પાછો ફર્યો
ત્યારે
પહેલી વાર
મારા પગ
મારા લાગ્યા.
– પરાગ રતનપરા