ભાઈબંધ વરસાદ
ઓ ભાઈબંધ વરસાદ, તું આ વખતે મોડો કેમ?
ખેતર રુએ, ખેડુ ઝૂરે, તારી શું છે નવી ગેમ?
દેડકાં બેઠાં ધરણાં પર, ને મોર કરે હડતાળ,
કાગડા કહે: ‘મીટિંગ બોલાવો, થયો ગંભીર કાળ!’
નેતા બોલ્યા: ‘વાદળ નથી, આ તો વિપક્ષનો વ્હેમ!’
ઓ ભાઈબંધ…
છત્રી નવી લીધી’તી મેં, ને રેઇનકોટ પણ લાલ,
બાએ તળ્યાં’તાં ભજિયાં, તે ભજિયાં થયાં વાસી કાલ;
હવે તો આવ, નહીં તો તારો ખોવાઈ જાશે પ્રેમ…
ઓ ભાઈબંધ…
પરાગ કહે: એ આવ્યો ત્યારે આવ્યો ધોધમાર,
ગામ આખું ડુબાડી પાછો બોલ્યો: ‘સૉરી, યાર!’
ભાઈબંધી તો એવી, રિસાય ને માની જાય એમ…
ઓ ભાઈબંધ…
– પરાગ રતનપરા