← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભાઈબંધ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભાઈબંધ એ,
જેની સામે
હું મારી હાર
ઇસ્ત્રી કર્યા વગર પહેરીને જઈ શકું.

એ પૂછે નહીં કે કેમ ઢીલો છે,
એ તો ચાની બે અડધી કટિંગ મંગાવે
ને એક મારી તરફ સરકાવી દે —
જાણે કહેતો હોય:
‘અડધું તું પી, અડધું હું પી લઉં છું.’

વર્ષો પછી
સ્ટેશન પર અચાનક મળ્યો.
વાળ ધોળા, ચશ્માં જાડાં,
પણ એણે પહેલું વાક્ય એ જ કહ્યું
જે કૉલેજના દરવાજે કહેતો:
‘ચાલ, બાકી બધું પછી.’

અને સાચે જ,
બાકી બધું
પછી જ રહી ગયું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખછૂટા શેર ૧૪૨૬–૧૪૬૫આગલો લેખ →હોશિયારી