← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભાડે મળે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આ નગરમાં ઘર મળે, ને લાગણી ભાડે મળે,
ઘોડિયાઘરમાં હવે તો ઓઢણી ભાડે મળે.

ગામનો ખેડૂત ઊભો છે નગરના ગેટ પર,
ને પરાયાં ખેતરે એ વાવણી ભાડે મળે.

ભાષણોમાં સૌ જગા ખાલી પડી છે, એટલે
ભીડ, ઝંડા, હાર, નારા, છાવણી ભાડે મળે.

સત્યને ગાળી, મસાલો ભેળવી દે ચેનલો,
એ સમાચારો તણી પણ ચાળણી ભાડે મળે.

આ ગઝલનાં ખેતરે પણ એ જ ચાલ્યું છે, ‘પરાગ’,
કોઈ વાવે, કો' લણે, ત્યાં કાપણી ભાડે મળે.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #નગરજીવન #બજારીકરણ #લાગણી #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #CityLife #Commercialisation #HiredEmotions #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખરાખમાંઆગલો લેખ →હતો ને?