બેસજો
રોકજો આ દોડ, ને પાસે ઘડીભર બેસજો,
આ નમેલી ખાટલીમાં આજ દિનભર બેસજો.
દોડતાં વીતી જશે આ જિંદગી, સમજો હવે,
આંબલીની છાંયમાં બસ એક ક્ષણભર બેસજો.
ફોનની ઘંટી ભલે વાગ્યા કરે, વાગ્યા કરે,
દીકરીના ખોળલે થઈ બાળ પળભર બેસજો.
સો ઇનામો, સો ખિતાબો ને તિજોરીઓ ભરી,
એ બધું છોડી, ખરા ખોળે જ ભવભર બેસજો.
આખરે તો સૌ જવાના, ને જશે તું પણ ‘પરાગ’,
તો પછી તસવીર સામે આયખાભર બેસજો?
– પરાગ રતનપરા
#ગઝલ #પિતા #પરિવાર #સમય #ઘરડાંમાબાપ #પરાગરતનપરા
#GujaratiGhazal #TimeForParents #SlowDown #Family #Regret #ParagRatanpara