બીજ
હથેળીમાં એક બીજ મૂકીને
દાદાએ પૂછ્યું હતું:
‘આમાં શું છે, બોલ?’
મેં કહ્યું: ‘બીજ.’
દાદા હસ્યા.
‘આમાં છાંયો છે,
ચકલીનો માળો છે,
ઉનાળાની બપોરે
પાથરેલો ખાટલો છે,
કોઈ મુસાફરનો વિસામો છે,
ને ચૂલામાં બળતું
કોઈનું ચોમાસું પણ.’
મેં બીજ ફેરવી ફેરવીને જોયું —
કશું ન દેખાયું.
આજે દાદા નથી.
પાદરે એ લીમડો છે.
ને હવે
હું મારા દીકરાની હથેળીમાં
બીજ મૂકું છું
ને પૂછું છું — ‘આમાં શું છે, બોલ?’
એ કહે છે: ‘બીજ.’
ને હું
દાદાની જેમ હસું છું.
– પરાગ રતનપરા