બે ટીપાં
જન્મ્યો ત્યારે
દાદીએ
આંગળી પર મધ લઈને
મારી જીભે મૂક્યું હતું —
ગળથૂથી.
જઈશ ત્યારે
કોઈ
ચમચીમાં ગંગાજળ લઈને
મારા હોઠે મૂકશે.
બે ટીપાંની વચ્ચે
આખી જિંદગી છે —
ઓફિસની ચા,
પ્રિયાના હોઠ,
દવાની કડવી ગોળી,
ને
ઘણી વાર
ગળી જવા પડેલા શબ્દો.
મને ખબર નથી
કે છેલ્લે
ગંગાજળનો સ્વાદ
કેવો લાગશે.
બસ એટલી ઇચ્છા છે
કે ત્યારે પણ
કોઈ આંગળી
દાદી જેવી
ધ્રૂજતી હોય.
– પરાગ રતનપરા