બે ગ્લાસ
રોજ રાતે
એ
બે ગ્લાસમાં પાણી ભરે છે —
એક પોતાના માટે,
એક
પલંગની પેલી બાજુના
ઓશીકા પાસે.
બત્તી બુઝાવે છે,
ને અંધારામાં
થોડી વાર
વાત કરે છે:
‘દવા લીધી?’
‘બારણું વાસ્યું?’
‘કાલે દીકરાનો ફોન આવશે.’
સવારે
એક ગ્લાસ ખાલી હોય છે,
બીજો ભરેલો.
એ રોજ
ભરેલો ગ્લાસ
આંગણાની તુલસીમાં ઠાલવે છે.
તુલસી
આ વરસે
બહુ લીલી થઈ છે.
– પરાગ રતનપરા