બસ થશે
રાત ઘેરી છે, છતાં એ એક તણખો બસ થશે,
પાનખરની ડાળ પર નાનો ય ટહુકો બસ થશે.
તીર્થ, તપ ને લાખ માળા ફેરવે છે તું ભલે,
ભાવથી જો ફેરવે તો એક મણકો બસ થશે.
રીસમાં તું હોઠ સીવી લે, ભલે ને રાતભર,
માનવાને બંગડીનો એક રણકો બસ થશે.
ઊંઘતા આ શ્હેરને જો જાગવું હો એક વાર,
વીજળીનો આભમાંથી એક ઝબકો બસ થશે.
ના પરાગે ગ્રંથ મોટા કે મહાકાવ્યો લખે,
મધભરી મધમાખનો આ એક ચટકો બસ થશે.
– પરાગ રતનપરા
#ગઝલ #નાનીવાત #આશા #પ્રેમ #ભક્તિ #પરાગરતનપરા
#GujaratiGhazal #SmallThings #PowerOfASpark #Hope #Devotion #ParagRatanpara