રાખજે
આંગણે પંખી તણું કૂંડું ભરેલું રાખજે,
રાતના પણ દ્વાર થોડું તો ખુલેલું રાખજે.
કોક ભૂખ્યો બારણે આવી ચડે અધરાતમાં,
એક ભાખર કાજ મન તારું ઢળેલું રાખજે.
રોજ પોતાને ગમે એ સૌ ખરીદી લે ભલે,
આપવા તું અન્યને થોડું ગમેલું રાખજે.
કોઈએ ઝાલ્યો હતો પડતાં સમે તારો ય હાથ,
એ ઋણે માથું સદા થોડું નમેલું રાખજે.
આ પરાગે એટલું કીધું ગઝલની પંક્તિમાં,
આંખના ખૂણે પરાયું જળ તરેલું રાખજે.
– પરાગ રતનપરા
#ગઝલ #કરુણા #માનવતા #દાન #ઋણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Compassion #OpenDoors #Kindness #Gratitude #ParagRatanpara