← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બસ એટલું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

થાક ભાંગે, બેસવા દે ઓટલો બસ એટલું,
ભૂખ લાગે ત્યાં મળે જો રોટલો બસ એટલું.

મ્હેલ ને માયા નથી માગ્યાં કદી, ઈશ્વર, કશે,
સાંજ પડતાં ઊંઘવા દે ખાટલો બસ એટલું.

ધોમ તડકે રાહ જોતો કોઈ પંથી જો મળે,
છાંયડે હું થઈ શકું જો માટલો બસ એટલું.

જેમ કેરી પાક થઈ ખરતી, ખરું તો શોક શો?
તું ધરામાં વાવજે આ ગોટલો બસ એટલું.

આ પરાગે જગ તજું ત્યારે ન સાથે કૈં લઉં,
ગાંઠ બાંધી સારપોનો પોટલો બસ એટલું.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રાર્થના #સાદગી #સંતોષ #સેવા #પરાગરતનપરા
#GujaratiGhazal #Prayer #SimpleLiving #Contentment #Selflessness #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખતું ઓળખીઆગલો લેખ →ડુંગર