બરફનો ગોળો
બા સાથે બજારે જવું
એટલે
દરેક લારી પાસે ઊભા રહેવું,
ટામેટાં દબાવી જોવાં,
‘પાંચ રૂપિયા ઓછા કર, ભાઈ!’ — એ સાંભળવું.
બા ભાવતાલ કરતી
પાંચ પાંચ રૂપિયા માટે,
ને પાછા વળતાં
મારા હાથમાં મૂકી દેતી
દસ રૂપિયાનો બરફનો ગોળો.
આજે મૉલમાં
કોઈ ભાવતાલ કરતું નથી.
બિલ આવે છે, હું ચૂકવી દઉં છું.
પણ છેલ્લા કાઉન્ટર પર
કોઈ મારા હાથમાં
બરફનો ગોળો મૂકતું નથી.
હવે સમજાય છે —
બા પૈસા નહોતી બચાવતી,
મારે માટેનો
એક ગોળો બચાવતી હતી.
– પરાગ રતનપરા