બની જોજે
તને પૂજ્યો યુગોથી મેં, કદી માણસ બની જોજે,
અમારી ઝૂંપડીમાં તું કદી ફાનસ બની જોજે.
નથી તેં ભૂખ ચાખી કે ન ઠંડી રાતમાં ધ્રૂજ્યો,
બપોરે ખેતરે ઊભો, ઘડી તાપસ બની જોજે.
તને તો છપ્પનો ભોગો, મળે ઝુમ્મર અને આસન,
અનાથોની ગલીમાં તો જરા વારસ બની જોજે.
તને સૌ પાપ ધોવાને ચડાવે દૂધ ને પાણી,
મજૂરોના પસીને તું અડી પારસ બની જોજે.
પરાગે આ લખી ચિઠ્ઠી, ખફા ના થા, અરે ઈશ્વર,
ન માગું સ્વર્ગ, ના મોક્ષો, ઘડી માણસ બની જોજે.
– પરાગ રતનપરા
#ગઝલ #ઈશ્વર #માનવતા #ગરીબી #પ્રાર્થના #પરાગરતનપરા
#GujaratiGhazal #DearGod #BeHuman #Poverty #HumbleRequest #ParagRatanpara