સાંભળ મારો સાદ
સાંભળ મારો સાદ, પ્રભુ, તું સાંભળ મારો સાદ,
અંધારે અટવાયો છું, તારી પાડું છું ફરિયાદ…
દીવો લઈને નીકળ્યો’તો, પવને ઓલવી નાખ્યો,
કેડી ભૂલ્યો, કાંટા વાગ્યા, ને કાંટાએ મારગ ઢાંક્યો;
હૈયે તારું નામ બચ્યું છે, બાકી સઘળું બાદ…
સાંભળ મારો સાદ…
મંદિરે ગ્યો, ઘંટ વગાડ્યા, ભીડ હતી ભરપૂર,
પૂજારીએ પૈસા ગણ્યા, ને તું તો રહ્યો દૂર;
મારી ઝૂંપડીએ આવ, પ્રભુ, હું ધરું રોટલાનો પ્રસાદ…
સાંભળ મારો સાદ…
પરાગ કહે: મેં સાદ દીધો, ત્યાં ભીતરથી કોઈ બોલ્યું,
‘હું તો કાયમ અહીં જ હતો, તેં બારણું ક્યાં ખોલ્યું?’
અંદર ઊગ્યો સૂરજ, ને મટી ગયો વિખવાદ…
સાંભળ મારો સાદ…
– પરાગ રતનપરા