બચ્યો નથી
ડામરી રસ્તા થયા ને ઓટલો બચ્યો નથી,
ઝાડ પાડ્યાં, ને હવે તો છાંયડો બચ્યો નથી.
જ્યાં ભરાતો રોજ ગપ્પાં-ગીતનો મેળો, હવે
ફોન છે સૌ હાથમાં, ને ડાયરો બચ્યો નથી.
ભોર પ્હેલાં બા વલોણું ફેરવી ગાતી હતી,
આજ એલાર્મે જગાડે, કૂકડો બચ્યો નથી.
દીકરા શ્હેરે ગયા, ને ઘર ઉપર તાળાં હવે,
ને પિતાનો ઓસરીનો ઢોલિયો બચ્યો નથી.
આ ‘પરાગે’ ગામ શોધ્યું ગૂગલે નકશા મહીં,
નામ છે, પણ ગામનો એ પાદરો બચ્યો નથી.
– પરાગ રતનપરા
#ગઝલ #ગામડું #બદલાવ #વિસરાતુંવતન #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #VanishingVillage #Change #LostHomeland #Nostalgia #ParagRatanpara