બાવીસમે માળે વસંત
ફ્લૅટની બાલ્કનીમાં
એક કૂંડું છે,
એમાં
એક ગુલાબ ખીલ્યું.
આખી સોસાયટીએ
એનો ફોટો પાડ્યો,
સ્ટેટસ મૂક્યું:
‘વસંત આવી!’
નીચેથી
બાવીસમા માળ સુધી
એક પણ ભમરો
પહોંચી શક્યો નહીં —
લિફ્ટ બંધ હતી.
ગુલાબ
મૂંઝાયું.
એણે તો
ખાલી
થોડું પાણી
ને એક ભમરો
માગ્યો હતો.
– પરાગ રતનપરા