← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બારેમાસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કારતકે કોડિયાં ઓલવ્યાં, ને માગશરે થીજી રાત,
પિયુ, તારા વિના બારે માસે મારે એક જ વાત.

પોષે પોયણાં પાણીમાં ઠર્યાં, મહા મહિને મૂંઝારો,
ફાગણ ફૂલ્યો કેસૂડે, પણ મારે અંગ અંગારો;
ચૈતર-વૈશાખે ધૂળ ઊડે, ને આંખે ઊડે ઘાત…
પિયુ, તારા વિના…

જેઠે જીવ બળે ને અષાઢે આભ ગાજે ઘેરું,
શ્રાવણ સરવરિયે નાહ્યો, પણ મારું તન કોરું;
ભાદરવે ભરિયાં નદી-નાળાં, આસો દીવાની ભાત…
પિયુ, તારા વિના…

પરાગ કહે: આ બાર મહિના પાટી ઉપર ઘૂંટ્યા,
એક વિરહનો એકડો ના ભૂંસાયો, આંસુ ખૂટ્યાં;
પિયુ આવે એ દિ’ તેરમો મહિનો, ત્યાં જ નવું પ્રભાત…
પિયુ, તારા વિના…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઆ કોણ રે?આગલો લેખ →‘કાંઈ નહીં’