← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

‘કાંઈ નહીં’

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પૂછું ‘શું થયું?’ તો કહે ‘કાંઈ નહીં’, ને મોઢું ચડેલું આખો દિ’,
એ ‘કાંઈ નહીં’માં છુપાયું શું શું, એ ભેદ ન પામ્યો કદી.

ચા મૂકી તો ખાંડ વધારે, દાળમાં મરચું તીખું,
વાસણ ખખડે ઢોલની પેઠે, હું ય હવે તો શીખું;
‘કાંઈ નહીં’નો અર્થ થાય છે: ‘બધું જ છે, તું શોધી લે’,
પરણ્યે પચીસ વરસ થયાં, તોય ઉકેલું હજી…
પૂછું ‘શું થયું?’…

એનિવર્સરી ભૂલી ગયો’તો? ના, એ તો આવતે મહિને!
સાસુ વિશે કંઈ બોલ્યો’તો? ના, મેં તો મૌન જ લીધું ઝીણે;
સાડી સરસ છે કીધું’તું, બસ — ‘એટલે જૂની ખરાબ હતી?’
ગુનો મારો શોધતાં શોધતાં ઢળી ગઈ સાંજની ઘડી…
પૂછું ‘શું થયું?’…

પરાગ કહે: આ ‘કાંઈ નહીં’ તો વેદ સમોવડ ગ્રંથ,
ભલભલા પંડિત હારી બેઠા, કોઈ ન પામ્યો અંત;
અંતે ગજરો લાવ્યો ઘેર, ને બોલ્યો: ‘ભૂલ મારી બધી!’
‘કાંઈ નહીં’ હસીને બોલી — આ વખતે સાચ્ચું જડી!
પૂછું ‘શું થયું?’…

– પરાગ રતનપરા

ગીતહાસ્ય
← પહેલો લેખબારેમાસઆગલો લેખ →પહેલો બરફ