બારી
હવે ચકલી જ આવીને કરે છે ગાન બારીએ,
ગયા છે સૌ, હવે એ બા ધરે છે ધ્યાન બારીએ.
ગયા'તા દીકરો ને વહુ વિદેશે, ને ખબર ના'વી,
ટપાલીની ય ઘંટી પર ચડે છે કાન બારીએ.
પડોશી બાળકો રમતાં, દડો ખખડાવતા કાચે,
ધખે બા, ને મનોમન એ ચહે તોફાન બારીએ.
શિયાળો, ગ્રીષ્મ, ચોમાસું, બધું બદલાય બારીમાં,
ખરે છે રોજ ઝાડેથી સુકાયું પાન બારીએ.
પરાગે એ જ ખુરશી પર હવે બેસી જરા જોયું,
સમયનું, સ્વપ્નનું, ખુદનું, થયું સૌ ભાન બારીએ.
– પરાગ રતનપરા
#ગઝલ #બારી #વૃદ્ધાવસ્થા #એકલતા #પ્રતીક્ષા #પરાગરતનપરા
#GujaratiGhazal #TheWindow #OldAge #Loneliness #EmptyNest #ParagRatanpara