બારી ખુલે
દ્વારો બધાં વાસ્યાં ભલે, આવે હવા, બારી ખુલે,
અંધાર ઘેર્યો ઓરડે, ત્યાં તો ઉષા, બારી ખુલે.
છૂટે ભલે જો નોકરી, તૂટે ભલે સંબંધ પણ,
ગભરાઈ ના, મનવા, મળે બીજી દિશા, બારી ખુલે.
ધખતા ઉનાળે ઘરમહીં બેઠો હતો હું ઊકળી,
આકાશમાં ગરજે, ઢળે કાળી ઘટા, બારી ખુલે.
જાગી હતી બા રાતભર બીમારને ખાટે કને,
આવે ફરી શ્વાસો, ફળે માની દુઆ, બારી ખુલે.
દીવાલ જેવાં દુઃખ હો, તો શોધજે બારી, ‘પરાગ’,
લખતો રહે, ને કાગળે ઊગે કથા, બારી ખુલે.
– પરાગ રતનપરા
#ગઝલ #આશા #બારી #નવીદિશા #હિંમત #પરાગરતનપરા
#GujaratiGhazal #Hope #NewBeginnings #WhenADoorCloses #Resilience #ParagRatanpara