બારસાખ
બારસાખ
વરસોથી
એક જ જગ્યાએ ઊભી છે.
એના લાકડામાં
એક ખાડો પડી ગયો છે —
બરાબર
એક હથેળી જેટલો.
દાદી
અહીં ઊભી રહેતી,
દાદા ખેતરેથી
પાછા આવે ત્યાં સુધી.
મા
અહીં ઊભી રહેતી,
પપ્પા
શહેરની બસમાંથી ઊતરે ત્યાં સુધી.
હવે
મારી પત્ની
અહીં ઊભી રહે છે,
ફોનમાં
‘રસ્તામાં છું’ વાંચીને પણ.
ઘર બદલાયું,
રસ્તા બદલાયા,
વાહનો બદલાયાં —
પણ
રાહ જોનારી હથેળી
એ જ ખાડામાં
બરાબર બેસી જાય છે.
– પરાગ રતનપરા