બારણું
ગામના ઘરને હતું આ સાવ નાનું બારણું,
તોય સૌને આવકારે એ જ માનું બારણું.
આ નગરમાં બેલ વાગે, આંખ કાણેથી જુએ,
ખોલતાં પ્હેલાં વિચારે છે બહાનું બારણું.
કોઈ આવે મધ્યરાતે, ના ટકોરો પણ કરે,
એટલે ભીડ્યું નથી મેં સાવ છાનું બારણું.
હર કિતાબે એક ઘર છે, ઊઘડે ખોલો તમે,
આંગણું છે આવરણ ને મુખ્ય પાનું બારણું.
આ પરાગે ફૂલને પૂછ્યું, ‘તને તાળું નથી?’
ફૂલ હસ્યું: ‘મ્હેકનું ક્યાં હોય ખાનું, બારણું?’
– પરાગ રતનપરા
#ગઝલ #બારણું #ગામડું #આવકાર #ખુલ્લુંહૃદય #પરાગરતનપરા
#GujaratiGhazal #TheDoor #VillageWelcome #OpenHeart #Hospitality #ParagRatanpara