બારાખડીનું ઘર
મારી ત્રણ વર્ષની દીકરી
કક્કાના લાકડાના ટુકડાથી
ઘર બનાવે છે.
‘ક’ નો પાયો,
‘ઘ’ ની ભીંત,
‘મ’ નું છાપરું —
ને ઉપર
એક નાનકડો ‘મા’
ધજાની જેમ.
હું કહું છું:
‘બેટા, આ તો અક્ષરો છે,
ઘર ઈંટોથી બને.’
એ મારી સામે
એવી રીતે જુએ છે
જાણે
હું કંઈ નથી જાણતો.
સાચું પણ છે.
મેં ઈંટોથી ઘર બનાવ્યું,
પણ
આ ઘરમાં
‘મા’ શબ્દ
છેલ્લે ક્યારે બોલાયો,
યાદ નથી.
– પરાગ રતનપરા