બાપુજીનો હાથ
મેળામાં
આ જ હાથ પકડીને
મેં ચકડોળ જોયું હતું,
પહેલો અક્ષર ઘૂંટ્યો હતો,
સાઇકલનું પહેલું પૈડું
આ જ હાથના ભરોસે ફર્યું હતું.
આજે હૉસ્પિટલના પલંગ પર
એ જ હાથ
મારા હાથમાં છે —
ધ્રૂજતો, કરચલીવાળો,
નસોમાં સોય ખોસેલો.
હું એને ધીમેથી દબાવું છું,
જેમ એ મને
ભીડમાં ખોવાઈ જવાના ડરે
દબાવતા હતા.
આજે સમજાય છે —
હાથ પકડવો
એ શીખવવાની વસ્તુ નથી,
એ તો વારો છે,
જે એક દિવસ
આપણો પણ આવે છે.
– પરાગ રતનપરા