બાપુ
બાપુ, તારે ખભ્ભે ચડીને મેં તો જોયું આખું ગામ,
લોક કહે ‘આ પારકી થાપણ’, તેં દીધું મને નામ.
નિશાળે મૂકવા આવ્યો, તારી સાઇકલ પાછળ બેઠી,
ગામ હસ્યું કે ‘દીકરી ભણાવે?’, તોય તેં વાત ન વેઠી;
પાટી ઉપર કક્કો લખતાં તેં ઘૂંટાવ્યું મારું નામ…
બાપુ, તારે ખભ્ભે…
માંડવે બેઠી ત્યારે તું તો ઊભો’તો સાવ ચૂપ,
હસતો હસતો સૌને મળતો, ભીતર ઢળતી ધૂપ;
વિદાય વેળા ખૂણે જઈને રોયો તું આખી શામ…
બાપુ, તારે ખભ્ભે…
પરાગ કહે: આ દીકરીઓના બાપુ કેવા હોય?
પહાડ જેવા ઊભા રહે ને ઝરણાં જેવા રોય;
દીકરી જ્યાં જ્યાં જાય, ત્યાં ત્યાં બાપનું ઊજળું નામ…
બાપુ, તારે ખભ્ભે…
– પરાગ રતનપરા