બાની સાડી
બા, તારી સાડી ઓઢીને સૂતો,
ઊંઘમાં તારો હાથ ફર્યો, ને હું તો નાનો થઈને રોતો.
તારા કબાટનાં ખાનાંમાં હજી કંકુ, અગરબત્તી, માળા,
ચશ્માંની દાંડી તૂટેલી, ને ચાવીના ઝૂડે તાળાં;
તાળું ખોલું ત્યાં મ્હેક ઊડે, હું ઓરડે ઓરડે ખોતો…
બા, તારી સાડી…
ઉંબરે કોણ પૂરે રંગોળી? કોણ બાંધે તોરણ-ડાળી?
દીવા તો સો પ્રગટાવ્યા, પણ ઘર લાગે છે ખાલી;
ફટાકડાના અવાજમાં હું તારો સાદ ગોતો…
બા, તારી સાડી…
પરાગ કહે: આ સાડીનો પાલવ નથી રે ખાલી કપડું,
એમાં બાનું આખું આભ, ને એક જ આંસુનું ટપકું;
જેને માની હૂંફ મળે, એ કદી ન ટાઢે થથરતો…
બા, તારી સાડી…
– પરાગ રતનપરા