← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બાની ગોદડી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બાની ગોદડી ઓઢું રે, મને ઠંડી ના લાગે,
એના ટાંકે ટાંકે જાણે બા હજી ય જાગે.

દાદાનું ધોતિયું, બાપુનું પહેરણ, મારું નાનું ઝભલું,
ફઈની ચૂંદડી, કાકીનો સાડલો, સૌ ગોદડીમાં ભેગું;
આખું કુટુંબ એક થઈ સૂતું, કોઈ ના જુદું ભાગે…
બાની ગોદડી ઓઢું રે…

ઉનાળાની બપોરે બેસી, સોય-દોરો લઈ સીવતી,
ગીત ગણગણતી, આંખ ઝીણી કરી, ગાંઠે ગાંઠે જીવતી;
મશીનથી બનેલા બ્લેન્કેટ ઘણા, પણ એ હૂંફ ક્યાંથી જાગે?…
બાની ગોદડી ઓઢું રે…

પરાગ કહે: આ ગોદડી ફાટશે, રંગ ઝાંખા પડી જાશે,
પણ એમાં સીવેલું વ્હાલ કદી ના ઓછું થાશે;
દીકરી જશે સાસરે ત્યારે, દઈશ એને, જો માગે…
બાની ગોદડી ઓઢું રે, મને ઠંડી ના લાગે.

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમારી ભાષાઆગલો લેખ →પાનખર