બાની ચંપલ
બાની ચંપલ
હજી બારણા પાસે
એ જ જગ્યાએ પડી છે —
ડાબી થોડી ઘસાયેલી,
જમણી પર
મોચીનો એક ટાંકો.
ઘરમાં સૌ
ઉતાવળે આવે-જાય,
ઠેસ વાગે,
પણ કોઈ એને
ખસેડતું નથી.
સવારે દૂધવાળો આવે છે
તો અમસ્તો
એની સામે જોઈ લે છે,
જાણે પૂછતો હોય:
‘બા મંદિરે ગયાં?’
ચંપલ ચૂપ છે.
બા ક્યાંય ગઈ નથી —
બસ,
પહેલી વાર
ઉઘાડા પગે
નીકળી છે.
– પરાગ રતનપરા