બાળપણની વેળા
બાળપણની એ વેળા પાછી આવે તો કેવું?
માટીમાં રમવું, ને માના ખોળે જઈ સૂવું!
ના હોમવર્ક, ના ટ્યૂશન, ના ગણતરીનો ભાર,
લખોટી, ભમરડો, ગિલ્લી, દંડો — એ જ અમારો સંસાર;
તૂટેલી ચંપલ પહેરી આખું ગામ ભમી લેવું…
બાળપણની એ વેળા…
વરસાદે કાગળની હોડી, ઉનાળે આંબાની ડાળ,
રાતે દાદીની વાર્તામાં રાજા-રાણી ને વિકરાળ;
ઊંઘમાં ય હસતાં, જાણે જાગતાં જ સપનું જોવું…
બાળપણની એ વેળા…
પરાગ કહે: હવે મોટા થ્યા, ને મોટાં થયાં દુઃખ,
પણ ભીતર બેઠું છે એક બાળક, માગે નાનું સુખ;
એને ક્યારેક રમવા દેજો, એને ના રોવું…
બાળપણની એ વેળા…
– પરાગ રતનપરા