બૉસનો પડછાયો
મારા બૉસનો
પડછાયો
બહુ લાંબો છે.
સવારે નવ વાગ્યે
એ મારા ટેબલ પર પડે છે,
બપોરે
મારા ટિફિન પર,
સાંજે
મારા ઘરના દરવાજા સુધી
લંબાય છે.
રાતે
પત્ની કંઈ પૂછે
તો હું
‘યસ, સર’ કહી બેસું છું.
એક દિવસ
બૉસ રજા પર ગયા.
હું
આખો દિવસ
તડકામાં
ઊભો રહ્યો —
ને મને
પહેલી વાર
મારો પોતાનો
પડછાયો દેખાયો.
નાનો,
થોડો વાંકો,
પણ
મારો.
– પરાગ રતનપરા