અવાજ
એ લોકોએ
પહેલાં મારો અવાજ માગ્યો,
મેં આપ્યો — સૂત્રો માટે.
પછી મારી ચુપકીદી માગી,
મેં આપી — શાંતિ માટે.
પછી મારી આંખો માગી,
કહ્યું: ‘તને જે દેખાય છે
તે દેશહિતમાં નથી.’
હવે હું
ન બોલું છું, ન જોઉં છું.
બસ, છાતીમાં
એક ઘાવ રાખીને ઊભો છું,
તાજો ને તાજો.
રોજ રાતે
એ ઘાવ મને પૂછે છે:
‘મને પણ આપી દઈશ?’
ને હું પહેલી વાર
‘ના’ કહું છું.
– પરાગ રતનપરા