અરીસો પૂછે
અરીસો પૂછે: વાળ તારા ક્યારે ધોળા થયા?
ને કોઈ ના જાણે, રે ભાઈ, દિવસ ક્યાં ગયા?
ગઈ કાલે તો ગલીમાં ભમરડા ફેરવતો,
લખોટીઓ ખિસ્સે ભરી ગામ આખું ઘેરતો;
આજે પૌત્ર પૂછે: ‘દાદા, લખોટી શું થયા?’…
અરીસો પૂછે…
કાલે તો મા વઢતી’તી: ‘ઝટ જમવા આવ,’
આજે ભાણું ઠરી જાય, ના કોઈ કહે ‘ખાવ’;
સાદ પાડનારા સૌ ફોટામાં રહી ગયા…
અરીસો પૂછે…
પરાગ કહે: પાંદડું પીળું પડે ન એક રાતે,
રંગ ચોરે છે સમય ધીરે ધીરે વાતે વાતે;
જે ક્ષણ જીવી લીધી, બસ એ જ આપણા રહ્યા…
અરીસો પૂછે…
– પરાગ રતનપરા