અપૉઇન્ટમેન્ટ
મેં મારી જાતને મળવા
અપૉઇન્ટમેન્ટ માગી.
સેક્રેટરીએ ડાયરી ખોલી:
‘સોમવારે મીટિંગ છે,
મંગળવારે ટૂર,
બુધવારે લગ્ન,
ગુરુવારે બેસણું,
શુક્ર-શનિ ઓવરટાઇમ,
ને રવિવારે તો
આખું કુટુંબ મૉલમાં જવાનું છે.’
‘આવતા મહિને?’
‘એ તો એથીય ભરચક છે, સાહેબ.’
હવે
હું મને મળું છું
રોજ રાતે
માત્ર બે મિનિટ —
બાથરૂમના અરીસામાં,
દાંત ઘસતાં ઘસતાં.
એ પણ
મોં ભરેલું હોય છે,
એટલે
કશું બોલી શકાતું નથી.
– પરાગ રતનપરા