અંજનીનું હાલરડું
હાલો હાલો રે અંજનીના લાલ, સૂરજને ફળ જાણી ના ભરશો ફાળ,
પવનની પાંખે પોઢજો, હાલાં રે હાલાં.
પારણું બાંધ્યું ડુંગરની ડાળે, વાદળનું ઓઢણ ઓઢાડ્યું,
તારલિયાંનાં ઝૂમખાં બાંધ્યાં, ચાંદાનું રમકડું રાખ્યું;
તોફાની ટીખળ મૂકો હવે, ને મીંચો રે નયણાં વહાલ…
હાલો હાલો…
મોટા થઈને દરિયો ઠેકશો, લંકામાં લાય લગાડશો,
સંજીવનીનો પહાડ ઉપાડી, લખમણને જિવાડશો;
પણ આજ તો માનો ખોળો મોટો, આજ તો બાળ ગોપાલ…
હાલો હાલો…
પરાગ કહે: જે બળનો સાગર, એ પણ માને ખોળે ઝૂલે,
રામનું નામ જ્યાં હાલરડે, ત્યાં બાળક ભય સૌ ભૂલે;
અંજની ગાતી, પવન ઝુલાવે, ને ઊંઘે જગનો રખવાળ…
હાલો હાલો…
– પરાગ રતનપરા