અંધારું
ઉનાળાની રાતે
અચાનક
લાઇટ ગઈ.
ટીવી બંધ,
એ.સી. બંધ,
ફોનની બૅટરી પણ
દસ ટકા.
મા ફાનસ શોધી લાવી.
પપ્પા અગાશીએ
ગોદડાં પાથરવા ગયા.
દાદીએ
વાર્તા શરૂ કરી —
‘એક હતો રાજા…’
અમે ચારે
અગાશી પર સૂતાં,
આકાશ જોતાં,
ખરતો તારો ગણતાં.
ત્રણ કલાક પછી
લાઇટ આવી.
પંખો ફર્યો,
ટીવી ઝબક્યું,
ફોન ચાર્જમાં મુકાયા,
ને સૌ
પોતપોતાના ઓરડે
ચાલ્યા ગયા.
ત્યારે સમજાયું —
અજવાળું આવ્યું
ને
આપણને
પાછા
અંધારે લઈ ગયું.
– પરાગ રતનપરા